top
'સૂચના આપવી રેગિંગ નથી, આ શબ્દ જ ખોટો છે':ડૉ. હર્ષ આપઘાત કેસમાં આરોપી ડો.અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ હાજર થયો, કહ્યું-આપઘાત પાછળ બીજા કારણો હોઈ શકે
સુરતની નવી સિવિલમાં મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે આરોપી સિનિયર ડોક્ટર અનુજ મહેશ્વરીએ પોતાની સામે લાગેલા તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. પોલીસ સમક્ષ હાજર રહી નિવેદન નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે, રેગિંગના તમામ દાવા પાયાવિહોણા છે અને 'રેગિંગ' શબ્દ જ ખોટો છે. ફક્ત સૂચનાઓ આપવાને રેગિંગ ન કહી શકાય. ડો.હર્ષના આપઘાત અંગે ઉમેર્યું હતું કે, આ પગલા પાછળ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. 4 સિનિયર ડોક્ટર સામે ગુનો નોંધાયો છે કોલેજના અન્ય 9 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ પણ સિનિયર ડોક્ટરો વિરુદ્ધ એન્ટી-રેગિંગ કમિટી સમક્ષ ગંભીર લેખિત ફરિયાદ નોંધાવી હતી. કમિટીના અહેવાલ અને સૂચના બાદ ખટોદરા પોલીસે ચાર સિનિયર ડોક્ટરો—ડો.નિરાલી વસાવે, ડો.અનુજ મહેશ્વરી ડો.દિક્ષિતા ઘેવારીયા અને ડો.હિના ભૂત વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે નોટિસ આપતાં આરોપી ડોક્ટર નિવેદન નોંધાવવા પહોંચ્યા ફરિયાદ દાખલ થયા બાદ ખટોદરા પોલીસે ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપી સિનિયર ડોક્ટરોને નોટિસ પાઠવી હતી. પાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે તેમને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસની મુદતના બીજા દિવસે ચાર આરોપી પૈકી એક આરોપી ડો.અનુજ મહેશ્વરી પોલીસ મથકે હાજર થયા હતા અને તપાસ અધિકારી સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. 'રેગિંગ શબ્દ જ હટાવી દો, રેગિંગ થયું જ નથી' મીડિયા સાથેની વાતચીતમાં ડો.અનુજે 9 જુનિયર વિદ્યાર્થીઓને રૂમમાં બંધ રાખવાના આરોપોને પણ નકાર્યા હતા. સ્પષ્ટતા કરી કે, 'રેગિંગના જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, એ બધા જ પાયાવિહોણા છે. આ બધી પાયાવિહોણી વાતો છે. મને કંઈ ખબર નથી, મેં તો ક્યારેય રેગિંગ કર્યું નથી. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે સાચો ન્યાય આપશે અમને, ખાસ કરીને મને. વધુમાં ડો.અનુજે કહ્યું કે, રેગિંગ શબ્દ જ હટાવી દો, આ શબ્દ જ ખોટો છે. રેગિંગ થઈ જ નથી. આ ન્યાયતંત્ર નક્કી કરશે કે રેગિંગ થઈ છે કે નથી થઈ. ખરેખરમાં રેગિંગ થઈ છે કે નથી થઈ. સૂચનાઓ આપવાને રેગિંગ ના કહી શકાય. બસ એ જ કહેવા માંગીશ હું. સુસાઇડ કર્યું છે, પણ એના ઘણા કારણો હોઈ શકે:અનુજ 9 વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરવાની વાત છે, એ તો... એ તો ન્યાયતંત્ર નક્કી કરશે કે બંધ કર્યા છે કે નથી કર્યા. અમે ખૂબ જ શોકમાં છીએ કે હર્ષ પંડ્યાએ સુસાઈડ કર્યું છે, પણ એના ઘણા કારણો હોઈ શકે છે. કોઈ સાજિશ નથી અને આ રેગિંગ શબ્દ જ ખોટો છે પહેલી વાત તો. બાકી ન્યાયતંત્ર નક્કી કરશે જે પણ કરશે.
Read full article on Divya Bhaskar