Teachers Day 2026: અમદાવાદના શિક્ષિકાની સ્લમથી સ્માર્ટ સ્કૂલ સુધીની પ્રેરણાદાયી સફર, શિક્ષણમાં કર્યા નવતર પ્રયોગો
Teachers Day 2026: "બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જેને જોઈને, સ્નેહલ સૂરત, વત્સલ મૂરત, હૃદય હૃદયના વંદન તેને!" કવિશ્રી ઉમાશંકર જોશીની આ જાણીતી પંક્તિઓને પોતાના જીવન અને કાર્યશૈલીમાં સાર્થક કરનાર અમદાવાદના શિક્ષિકા સોનલબેન પ્રફુલભાઈ રાવલને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ બદલ 'ગુજરાત રાજ્યકક્ષા પ્રાથમિક શિક્ષક વિભાગ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
માતા શિક્ષક હોવાથી બાળપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાનો સંકલ્પ લેનાર સોનલબેને પોતાની 26 વર્ષની દીર્ઘ શૈક્ષણિક કારકિર્દીમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નૂતન પ્રયોગો કર્યા છે. તેઓ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.3 માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
'સ્લમથી સ્માર્ટ સ્કૂલ'નો અભિનવ બદલાવ
સોનલબેને 9 ફેબ્રુઆરી 2000ના રોજ દસ્ક્રોઈ તાલુકાની ખોડિયાર પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક સેવાઓની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઓગણજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર તરીકે 9 વર્ષ સુધી સેવાઓ આપી શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. નિર્ણયનગર અને થલતેજ શાળા નં.1 માં ફરજ બજાવ્યા બાદ તેઓ ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.3 માં જોડાયા હતા.

ઘાટલોડિયાની આ શાળામાં મુખ્યત્વે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે. પરંતુ "પ્રત્યેક બાળક મહત્વનું છે" ના ભાવ સાથે સોનલબેને અથાક પરિશ્રમ કરી શાળાનું કલ્ચરલ અને શૈક્ષણિક માળખું બદલી નાખ્યું હતું. તેમના પ્રયાસોથી આજે આ શાળા અમદાવાદ કોર્પોરેશનમાં માત્ર ભૌતિક રીતે જ નહીં, પરંતુ શૈક્ષણિક રીતે પણ એક ઉત્કૃષ્ટ 'સ્માર્ટ સ્કૂલ' તરીકે ઉભરી આવી છે.
નવતર પ્રયોગો અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ
સોનલબેન માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પ્રત્યક્ષ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણના હિમાયતી રહ્યા છે. પાઠ્યપુસ્તકના વિષયોને સરળતાથી સમજાવવા માટે તેઓ બાળકોને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બેંક, શાકમાર્કેટ, ફાયર સ્ટેશન, 108 એમ્બ્યુલન્સ અને ખેતરની રૂબરૂ મુલાકાત કરાવે છે. આ ઉપરાંત, બાળકો વ્યવહારુ જીવનકૌશલ્ય શીખી શકે તે માટે પ્લમ્બર, માળી, ગેસ-કૂકર રીપેર કરનાર જેવા વિવિધ કારીગરો સાથે સીધો સંવાદ ગોઠવે છે.

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય તે માટે ISRO અને વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતોનું આયોજન પણ કરવામાં આવે છે. શૈક્ષણિક કાર્યને વધુ રસપ્રદ બનાવવા તેમણે સ્વહસ્તે 100થી વધુ શૈક્ષણિક સાધનો બનાવ્યા છે. શાળામાં સરસ્વતી પૂજન, ભગવદ્ ગીતા વિતરણ અને શ્લોક પઠન જેવી પ્રવૃત્તિઓ થકી બાળકોમાં ધાર્મિક અને આધ્યત્મિક મૂલ્યોનું સિંચન પણ કરવામાં આવી રહ્યું છે.
સામાજિક જવાબદારી અને પ્રોત્સાહક પહેલ
સોનલબેને ખોડિયાર શાળામાં વાલી સંપર્ક ઝુંબેશ ચલાવીને ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય સુધી લાવવામાં અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં સફળતા મેળવી હતી. ઘાટલોડિયા શાળામાં શ્રમજીવી પરિવારના બાળકોની ગેરહાજરી દૂર કરવા વાલી બેઠકો યોજી અને 100% હાજરી ધરાવતા બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા.

તદુપરાંત, સોનલબેને એક અનોખી પહેલ કરતા વિદ્યાર્થીઓના જન્મદિવસે ચોકલેટ કે મીઠાઈ વહેંચવાને બદલે ટૂથબ્રશ અને ઊલિયું જેવી સ્વચ્છતાની કિટ્સ ભેટ આપી આરોગ્ય વિષયક આદતો કેળવી છે. શાળા કેમ્પસમાં પક્ષીઓ માટે કૂંડા અને કીચન ગાર્ડન બનાવીને જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિશિષ્ટ સન્માન અને પુરસ્કારો
તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓની કદરરૂપે તેમને અનેક એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત થયા છે:
- પ્રતિભાશાળી પ્રમાણપત્ર (2025)
- જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (2025)
- શિક્ષક પ્રતિભા સન્માન - અમદાવાદ કોર્પોરેશન (2025)
- ચિત્રકૂટ એવોર્ડ (2026)
- ગુજરાત રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (2026)