top
તહેવારો પૂર્વે લૂંટારુ ટોળકી સક્રિય:શહેરમાં એકલા જતા સિનિયર સીટીઝનને ટાર્ગેટ બનાવી આરોપીઓ લૂંટ ચલાવતા, બે ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના સ્માર્ટ સીટી વિસ્તારમાં અટલ સરોવર નજીક બકરા ચરાવવા ગયેલા વૃધ્ધને 28 ઓગસ્ટના રોજ ટાર્ગેટ બનાવી કાનમાં પહેરેલા સોનાના ઠોળીયાની લૂંટ ચલાવી હોવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની વધુ પુછપરછ કરતા અન્ય એક લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. વાહનો અને છરી સહિત ₹ 2.87 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સિનિયર સીટીઝનને ટાર્ગેટ કરી લૂંટને અંજામ આપતા રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ મોટા ભાગે એકલા જતા સિનિયર સીટીઝનને ટાર્ગેટ બનાવતા હતા અને લોકોની અવરજવર ઓછી હોય તેવી જગ્યાએ એક દોકલ લોકો અટકાવી બીક બતાવી માર મારી જે કોઈ કિંમતી ચીજવસ્તુ મળી આવે તેની લૂંટ ચલાવતા હતા. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો જગદીશ બાંગરવાએ જણાવ્યા હતું કે, આ કેસમાં તપાસ દરમિયાન ચાર આરોપી ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા, હિતેન ઉર્ફે હકો રાજુભાઈ ગોહેલ, નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઈ વાઘેલા અને ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી સોનાના કાનમાં પહેરવાના ઠોળીયા, એક આઈફોન, બે વાહન, સોનાની કડી સહીત ₹ 2.87 લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. આરોપીઓ પૈકી ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા વિરુધ્ધ અગાઉ હત્યા સહીત 10 ગુના, હિતેન ઉર્ફે હકો રાજુભાઈ ગોહેલ વિરુદ્ધ હત્યા સહિત 3 ગુના, નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઈ વાઘેલા વિરુધ્ધ 8 ગુના અને ભરત ઉર્ફે ભરતો પોપટભાઈ પરમાર વિરુધ્ધ 10 ગુના નોંધાઈ ચુકયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે લૂંટના કેસનો ભેદ ઉકેલાયો હાલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા 28 ઓગસ્ટના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ લૂંટ અને 5 ઓગસ્ટના રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અને વધુ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar