top
ઉમરગામમાં સિગારેટના વધુ ભાવ અને નશાખોરી મુદ્દે જૂથ અથડામણ:લાકડાના દંડા અને ઢીંકામુક્કીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સુંદરવન મિર્ચીવાડી વિસ્તારમાં આવેલી ઓધવકૃપા બિલ્ડિંગ પાસે સિગારેટના બધુ ભાવ અને નશાખોરીના મુદ્દે બે પડોશી પરિવારો વચ્ચે હિંસક મારામારી થઈ છે. આ ઘટનામાં બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. દુકાનદારે બજાર કરતાં રૂ.5 વધુ માંગ્યા મળતી માહિતી મુજબ, ઓધવકૃપા બિલ્ડિંગમાં ફેબ્રિકેશનનો ધંધો કરતા ભોલા ઉપેન્દ્ર વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરની રાત્રે તેઓ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બુદ્ધસાગર તિવારીની કરિયાણાની દુકાને સિગારેટ લેવા ગયા હતા. ત્યાં દુકાનદારે બજાર ભાવ કરતાં રૂ.5 વધુ એટલે કે રૂ.15 માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બે જૂથ વચ્ચે અથડામણ, સામે સામે પોલીસ ફરિયાદ આ બોલાચાલી વધી જતાં બુદ્ધસાગર તિવારી, તેમના પુત્રો રાહુલ અને મોહિત તેમજ પત્ની અંજની ગુસ્સે થઈ ગાળાગાળી કરી અને ઝપાઝપી કરવા લાગ્યા. આ દરમિયાન અંજની તિવારી ઘરમાંથી લાકડાનો દંડો લઈ આવી રાહુલને આપ્યો, જેણે ભોલા વિશ્વકર્મા પર હુમલો કરી ફટકા માર્યા. મારામારી થતાં આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ઈજાગ્રસ્ત ભોલાને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા પક્ષે બુદ્ધસાગર તિવારીએ પણ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ સમક્ષ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, તેમની દુકાન પાસે કેટલાક લોકો બેસીને નશાખોરી (ગાંજો) કરતા હતા. જેથી તેમણે તેમને ત્યાં નશાખોરી ન કરવા અને ગાળાગાળી ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. લાકડાના દંડા વડે માથામાં ફટકા માર્યા આ વાતનું મનદુઃખ રાખી ભોલા વિશ્વકર્મા, ઉપેન્દ્ર વિશ્વકર્મા, ગણેશ, મોહન અને પરિવારના અન્ય સભ્યો દુકાન પર આવી ઝઘડો કરવા લાગ્યા. તેઓએ દુકાનનો સામાન ફેંકી દઈ બુદ્ધસાગર તિવારી તથા તેમના બંને પુત્રો રાહુલ અને મોહિત સાથે ઢીંકામુક્કી કરી. એટલું જ નહીં, લાકડાના દંડા વડે માથામાં ફટકા મારી લોહી નીકળે તેવી ઈજાઓ પહોંચાડી હતી. એક પક્ષના 4 અને બીજા પક્ષના 7થી વધુ સામે ગુનો આ અંગે ઉમરગામ પોલીસે ભોલા વિશ્વકર્માની ફરિયાદના આધારે બુદ્ધસાગર તિવારી, રાહુલ તિવારી, મોહિત તિવારી અને અંજની તિવારી સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે બુદ્ધસાગર તિવારીની ફરિયાદ આધારે ભોલા વિશ્વકર્મા સહિત 7થી વધુ લોકો સામે BNS અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar