top
USDTમાં રોકાણના નામે યુવક છેતરાયો:મિટિંગ માટે બોલાવી યુવક પાસેથી 4.65 લાખ રૂપિયા બે શખ્સ નાસી ગયા
USDTમાં રોકાણ કરી વધુ પૈસા કમાવવાની લાલચમાં એક યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા છે. યુવકે રોકાણની જે વ્યક્તિ સાથે વાતચીત કરી હતી તે વ્યક્તિએ યુવકને મિટિંગ માટે બોલાવ્યો હતો. મિટિંગના બહાને બંને શખ્સો યુવકને ગાડીમાં વાસણા લઈ ગયા હતા જ્યાં યુવકને ગાડીમાંથી ઉતારી બંને રફૂ ચક્કર થઈ ગયા હતા. જે મામલે યુવકે વાસણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. USDTમાં રોકાણથી મોટો નફો આપવાની લાલચ આપી નારણપુરામાં રહેતા 41 વર્ષીય મેહુલભાઇ આંદાણી ત્રણેક માસ પહેલા એક મિત્રને મળવા ગયા હતા. વાતચીત દરમિયાન તેમનો મિત્ર કોઇ સાથે યુએસડીટીમાં રોકાણ અંગેની વાત કરતો હતો. જે બાદ મેહુલભાઇએ પણ યુએસડીટીમાં રોકાણ બાબતે રસ દાખવીને વાત કરતા તેમના મિત્રએ બે લોકોના નંબર આપ્યા હતા. જે પૈકી અમન પટેલ નામના શખ્સ સાથે મેહુલસભાઇને મુલાકાત થઇ હતી. અમન પટેલે યુએસડીટીમાં રોકાણ કરવાથી મોટો નફો આપવાની લાલચ આપીને રોકાણની સિક્યોરીટીની જવાબદારી લીધી હતી. જે બાદ અમન પટેલે અંજલી ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પલેક્ષ અને ભઠ્ઠા ખાતે મેહુલભાઇ તથા તેમના મિત્રને બોલાવ્યા હતા. બંને શખ્સો 4.65 લાખ રોકડા લઇ ફરાર થઈ ગયા મેહુલભાઇ રોકડા 4.65 લાખ લઇને ત્યાં પહોંચી ગયા હતા અને તેમનો મિત્ર પણ ત્યાં પહોંચી ગયો હતો. બાદમાં અમન પટેલને ફોન કરતા તેણે વ્યસ્ત હોવાથી તેના બે માણસો ગાડી લઇને આવે તે ગાડીમાં બેસી જવા કહ્યું હતું. નંબરપ્લેટ વગરની ગાડી લઇને આવેલા શખ્સો વાસણા વાયુદેવતાના મંદિર તરફ મેહુલભાઇ અને તેમના મિત્રને લઇ ગયા હતા. જ્યાં ગાડીમાંથી ઉતારીને શખ્સો 4.65 લાખ રોકડા લઇને નાસી ગયા હતા. અમન પટેલને ફોન કરતા તેણે નાણાં ન લાવી આપતા મેહુલભાઇએ આ મામલે વાસણા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar