top
વાપી, દમણ, સેલવાસમાં લૂંટ કરતી ગેંગ જેલભેગી:પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા, 12 મોબાઈલ સાથે રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબજે
વાપી GIDC પોલીસે દમણ અને સેલવાસા સહિતના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના ગુના આચરતી શાતિર ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ધરપકડ સાથે પોલીસે સ્નેચિંગના ચાર અણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, તેમજ ડુંગરા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપીને પણ દબોચી લીધો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રૂ. 3.65 લાખની કિંમતના 12 મોબાઈલ ફોન અને વાહનોનો સમાવેશ થાય છે. તાજેતરમાં, વાપી GIDC સ્થિત પંચાલ ઈન્ડસ્ટ્રિયલ કંપની સામેથી બજાજ પલ્સ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ એક વ્યક્તિના હાથમાંથી રૂ. 1,40,000ની કિંમતનો 'આઈફોન 17 પ્રો મેક્સ' આંચકી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. આ મામલે વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના 200થી વધુ CCTV ફૂટેજ તપાસી ગુનેગારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં આરોપીઓએ વાપી, દમણ, સિલવાસા અને દાદરા નગર હવેલીમાં મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના અનેક ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મોહમદ હનીફ ઉર્ફે મુન્ના મોહમદ ઈસ્લામ અંસારી, આનંદ ઉર્ફે ગુડ્ડા અશોક પટેલ, વિશાલ ઉર્ફે કાલુ મુન્નાલાલ હિરાલાલ સહાની અને કરન નરેન્દ્રસિંહ પરીહારનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 12 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 3,65,000), એક બજાજ પલ્સર NS 200 મોટરસાઇકલ (કિંમત રૂ. 1,00,000) અને એક સુઝુકી એક્સેસ મોપેડ (GJ-15-EP-1702, કિંમત રૂ. 50,000)નો સમાવેશ થાય છે. ઝડપાયેલા મુખ્ય આરોપી મોહમદ હનીફ ઉર્ફે મુન્ના સામે વલસાડ રૂરલ, ભિલાડ, વલસાડ સિટી, વાપી GIDC તેમજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા 25 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. તે સેલવાસામાં જ્વેલરી શો-રૂમ લૂંટના ગુનામાં પણ સંડોવાયેલો હતો. આ ઉપરાંત, આરોપી વિશાલ ઉર્ફે કાલુ સામે ડુંગરા પોલીસ સ્ટેશનમાં હત્યા (IPC કલમ 302) અને લૂંટનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે, જે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ દર્શાવે છે.
Read full article on Divya Bhaskar