Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad News: ધરમપુરની વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે બબાલની ઘટના સામે આવી છે. અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર હુમલો કરતા 2થી 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઘટના બાદ વિદ્યાર્થીઓએ રેલી યોજી ધરમપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરી છે, જ્યારે કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
મટકી ફોડવાના મામલે કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે વિવાદ
આ અંગે વિગતે વાત કરીએ તો, ધરમપુરની વનરાજ કોલેજની હોસ્ટેલમાં મટકી ફોડવાના મામલે કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. જોકે શરૂઆતના વિવાદ બાદ બંને જૂથો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં મોડી રાત્રે બહારથી આવેલા કેટલાક લોકો બુકાની પહેરી હોસ્ટેલમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. અચાનક થયેલા હુમલાને પગલે હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા
હુમલાની ઘટનામાં 2થી 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલમાં બહારના લોકો ઘૂસી વિદ્યાર્થીઓ પર હુમલો કરી જતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. ઘટનાથી રોષે ભરાયેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ રેલી યોજી ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરી
સમગ્ર મામલે ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરી છે. કોલેજના વિદ્યાર્થીઓ સિવાય અન્ય બુકાની ધારી ઈસમો કોણ હતા તે મામલે ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, વિદ્યાના ધામમા આવી મારામારીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ લોકો કોણ હતા અને તેમને કોણે હોસ્ટેલમાં બોલાવ્યા હતા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે,