top
સમીના અમરાપુરમાં VCE રૂ. 15,000ની લાંચ લેતા ઝડપાયો:પાક નિષ્ફળ સહાય મંજૂરી માટે લાંચ માંગનાર VCEને ACBએ રંગેહાથ ઝડપ્યો
પાટણના સમીના અમરાપુર ગ્રામ પંચાયત કચેરીના VCE ભરત સોમા ગડસાયા (ઠાકોર)ને રૂ. 15,000 ની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ પાક નિષ્ફળ સહાય મંજૂર કરાવવાના બદલામાં ઉપરી અધિકારીઓના નામે માંગવામાં આવી હતી. વર્ષ 2025 માં ભારે વરસાદને કારણે અમરાપુર પાટી વિસ્તારના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. સરકારે જાહેર કરેલી સહાય મેળવવા માટે ખેડૂતોએ અમરાપુર ગ્રામ પંચાયત કચેરીના VCE પાસે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યા હતા. VCE ભરત ગડસાયાએ સહાય મંજૂર કરાવવા માટે ઉપરી અધિકારીઓના નામે કુલ મંજૂર થનારી સહાયના 50 ટકા રકમ લાંચ પેટે માંગી હતી. કુલ 9 ખેડૂતોને પ્રત્યેકને રૂ. 44,000 ની સહાય મળવાપાત્ર હતી. સહાય ખાતામાં જમા થયા બાદ, 50 ટકા લેખે ગણાતી રકમમાંથી રૂ. 60,000 ફોન-પે દ્વારા અને રૂ. 1,10,000 રોકડા એમ કુલ રૂ. 1,70,000 VCE ને ચૂકવાયા હતા. ત્યારબાદ પણ બાકી રહેલા રૂ. 20,000 ની માંગણી કરાતા, રકઝકના અંતે રૂ. 15,000 આપવાનું નક્કી થયું હતું. આ અંગે એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે, 17 ઓગસ્ટ 2026 ના રોજ અમરાપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. ટ્રેપ દરમિયાન VCE ભરત ગડસાયા ફરિયાદી પાસેથી રૂ. 15,000 ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACB એ લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપ કામગીરી પાટણ ACB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી, બોર્ડર ACB એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને રાજકોટ એકમના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar