top
વડોદરામાં ઠગે મહિલાના દાગીના ગીરવી મૂકી રૂપિયા લઈ લીધા:સ્ટારમેકર એપ પર થયેલી ઓળખાણ બાદ વૃદ્ધ દંપતી પાસેથી 23 લાખ પડાવ્યા, સ્ટેમ્પ પેપર પર કરાર પણ કર્યા, છતા રૂપિયા પરત ન કર્યા
સ્ટારમેકર સિંગિંગ એપ પર થયેલી ઓળખાણનો ગેરલાભ લઈ એક શખ્સે વૃદ્ધ દંપતીને ભાવનાત્મક રીતે વિશ્વાસમાં લઈને 23 લાખ રૂપિયા રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીએ મહિલાને ‘માતા’ કહીને વાતચીત કરી હતી અને પોતાની માતાના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાનું જણાવી મદદ માંગી હતી. ત્યારબાદ સોનાના દાગીના ગીરવે મુકાવી રોકડ લઈ લીધી હતી. આ ઉપરાંત અલગ-અલગ બેંક ખાતામાં યુપીઆઈ મારફતે રકમ ટ્રાન્સફર કરાવ્યા હતા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા મિત્સુબેન સોઢાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં હિતેશ બાગોરા સાથે સ્ટારમેકર એપ મારફતે ઓળખાણ થઈ હતી. મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ હિતેશે તેમને માતા કહીને વાતચીત શરૂ કરી હતી. પોતાની માતા વંદનાબહેનના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાનું જણાવી મદદ માંગી હતી. મિત્સુબેને પોતાની 34.90 ગ્રામની સોનાની બંગડી મુથુટ ફાયનાન્સમાં ગીરવે મૂકી રૂ.1.14 લાખ આપ્યા હતા. આ ઉપરાંત ચેઇન, હાર, બુટ્ટી અને વાળી સહિત આશરે રૂ.4.30 લાખનું સોનું પણ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મુકાવી આરોપીએ રોકડ મેળવી લીધી હતી. આ ઉપરાંત રૂ.5.42 લાખ પરત આપવાની ખાતરી સાથે સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવ્યો હતો. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રકમ પરત ન આપતાં આરોપીએ અલગ-અલગ નંબર પરથી ફોન કરી તથા જુદી-જુદી વ્યક્તિઓના ખાતામાં યુપીઆઈ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ છે. આમ માતાની બીમારીનું ખોટું બહાનું કાઢીને વૃદ્ધ દંપતી પાસેથી રૂ.23.21 લાખથી વધુ પડાવવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar