top
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત:એક કલાક સુધી હલન ચલન ન કરતા લોકોએ ફાયરને જાણ કરી, 10 ફૂટનો મૃત મગરને બહાર કાઢ્યો, કેમિકલયુક્ત પાણીથી મોતના આક્ષેપ
વડોદરાના વેમાલી સ્મશાન પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આજે આશરે 10 ફૂટ લાંબો મૃત મગર મળી આવ્યો હતો. સ્થાનિકોએ મૃત મગરને જોતા ફાયર બ્રિગેડ અને વન વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને મગરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. મહાકાય મગરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વેમાલી ગામના સ્મશાન પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક મહાકાય મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆત મળતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લશ્કરોએ ખૂબ જ જહેમત ઉઠાવીને મહાકાય મગરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો છે અને વન વિભાગને જાણ કરવામાં આવી છે. પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણીથી મોત થયાનો આક્ષેપ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં અવારનવાર જળચર જીવો અને મગરોના મૃત્યુ થવાની ઘટનાઓ બને છે, જે શહેર માટે ખૂબ જ શરમજનક અને ચિંતાજનક બાબત છે. નદીમાં જે લોકો પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે, તેના કારણે જ આ નિર્દોષ જીવો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર પાસે ખાસ માંગણી છે કે, આ મગરના મૃતદેહની યોગ્ય ચકાસણી કરવામાં આવે. સાથે જ, જે પણ લોકો કેમિકલયુક્ત પાણી કે ગટરના દૂષિત પાણી નદીમાં છોડી રહ્યા છે, તે તમામ જવાબદારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
Read full article on Divya Bhaskar