top
વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન વધશે:ચીનના ભારતમાં નિયુક્ત એમ્બેસેડર ઝુ ફેઇહોંગની વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી, વિવિધ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા
ચીનના ભારતમાં નિયુક્ત એમ્બેસેડર ઝુ ફેઇહોંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા અંગે અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા વડોદરા શહેરની આ મુલાકાત દરમિયાન સ્થાનિક કોર્પોરેશનના પદાધિકારીઓ અને ચીનના રાજદૂત વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અંગે વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સ્થાનિક કક્ષાએ એકબીજાના પૂરક બનવા પર ભાર ખાસ કરીને વેપાર, ઉદ્યોગ, રોકાણ અને તકનીકી આદાન-પ્રદાન ક્ષેત્રે બંને દેશો સ્થાનિક કક્ષાએ કેવી રીતે એકબીજાના પૂરક બની શકે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને અર્બન પ્લાનિંગ એટલે કે શહેરી આયોજન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સિસ્ટર સિટી સંકલ્પના જેવા સાંપ્રત અને અત્યંત મહત્વના મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરના વિકાસ મોડલ અને તેની સુવિધાઓ વિશે જાણકારી મેળવવાની સાથે સાથે ચીનના વિકસિત શહેરોમાં અપનાવવામાં આવતી આધુનિક તકનીકો અને શહેરી વ્યવસ્થાપન પદ્ધતિઓને વડોદરામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ પ્રાથમિક વિચારણા કરવામાં આવી હતી. સિસ્ટર સિટી કોન્સેપ્ટ હેઠળ દ્વાર ખુલવાની શક્યતા સિસ્ટર સિટી કોન્સેપ્ટ હેઠળ બંને દેશોના શહેરો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોનો સમન્વય સાધીને સ્થાનિક સ્તરે વિકાસના નવા દ્વાર ખોલવાની શક્યતાઓ ચકાસવામાં આવી હતી. વડોદરા એક સાંસ્કૃતિક નગરી ઉપરાંત ઐતિહાસિક નગરી પણ છે. વડોદરાની ઐતિહાસિક ધરોહરો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વડોદરા મધ્ય ગુજરાત ઉપરાંત રાજ્યનું મહત્વનું શહેર ગણવામાં આવે છે. ત્યારે આ મુલાકાતને પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. સાંસ્કૃતિક નગરી ગરબા મહોત્સવ માટે આમંત્રણ આ યાદગાર મુલાકાત દરમિયાન વડોદરાના મેયર દ્વારા ચીનના એમ્બેસેડર ઝુ ફેઇહોંગને સંસ્કારી નગરી વડોદરાની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રીના ભવ્ય ગરબા મહોત્સવમાં સહભાગી થવા માટે ભાવભર્યું સ્નેહ મિલન આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. વડોદરાની નવરાત્રી તેની ભવ્યતા, શ્રદ્ધા, સુરક્ષા અને અનોખી સાંસ્કૃતિક વિરાસત માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે, ત્યારે આ નિમંત્રણને ચીનના એમ્બેસેડરે સહર્ષ આવકાર્યું હતું. એમ્બેસેડર ઝુ ફેઇહોંગે વડોદરા શહેરની તેમની આ મુલાકાત અંગે ભારે આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી તથા શહેરના સ્થાનિક વહીવટીતંત્રના ઉષ્માભર્યા સ્વાગતની મુક્ત મને પ્રશંસા કરી હતી. આગામી સમયમાં આર્થિક, સાંસ્કૃતિક, તકનીકી અને વેપાર ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશા-નિર્દેશો તથા માર્ગદર્શન મુજબ યોગ્ય આયોજન કરવામાં આવશે. આ મુલાકાતથી ભવિષ્યમાં વડોદરા અને ચીનના ઔદ્યોગિક શહેરો વચ્ચે વેપાર ક્ષેત્રે નવી તકો ઉભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મુલાકાત ખૂબ જ હાર્દિક અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જે ભવિષ્યના વિકાસલક્ષી સંબંધો માટે સકારાત્મક સંકેત આપે છે.
Read full article on Divya Bhaskar