crime
સાયબર ઠગો હોટલમાં સૂતા હતા'ને પોલીસ ત્રાટકી, VIDEO:PNB Oneના નામે APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કર્યા, 5613 લોકો પાસેથી 125 કરોડ પડાવ્યા
PNB Oneના નામે બોગસ APK ફાઈલ બનાવી લોકોના મોબાઈલ પર મોકલી હેક કરતી ગેંગને સુરત પોલીસે બિહારથી ઝડપી પાડી છે. ચાર આરોપીઓ પટનાની હોટલમાં રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે જ સુરત પોલીસની ટીમે હોટલ પર પહોંચી ચારેયને દબોચી લીધા. પોલીસ તપાસમાં આરોપીનું જામતારા ગેંગ સાથે કનેકશન મળ્યું છે. બોગસ APK ફાઈલ તૈયાર કરી ટોળકી દેશભરમાં અલગ અલગ મોબાઈલ નંબર મોકલતી. જે પણ મોબાઈલ યુઝર ફાઈલ ઓપન કરતા તેના મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેતા. બેંક ડીટેઈલનો ઉપયોગ કરી તુરંત જ પૈસા પણ ઉપાડી લેતા. અત્યાર સુધીમાં ટોળકીએ 31,174 મોબાઈલ હેક કરી રૂ. 125 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. 5 લાખની છેતરપિંડીની તપાસમાં 125 કરોડનું ફ્રોડ ઝડપાયું સુરતના એક વ્યકિત સાથે 5 લાખની છેતરપિંડી થયાનો કેસ પોલીસ સમક્ષ આવ્યો હતો. જેમાં આરોપીઓએ 15 થી 18 મે દરમિયાન પંજાબ નેશનલ બેંકના નામે એક બનાવટી "PNB One.APK" ફાઈલ બનાવી ફરિયાદી મોકલી હતી. ફરિયાદીએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરતા જ તેના ફોનનો સંપૂર્ણ એક્સેસ આરોપીઓ પાસે જતો રહ્યો હતો અને તેની જાણ બહાર જ 5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. સુરત 2456 કિમી સુધી આરોપીનો પીછો કરી પટનાથી દબોચ્યા સુરત સાયબરની ટીમને તપાસ કરતા સાયબર ફ્રોડના તાર ઝારખંડના જામતારા અને દેવધર પટ્ટામાં મળ્યા. જેથી ટીમ જામતારા પહોંચી ટ્રેન અને રોડ માર્ગે આરોપીઓનો સતત પીછો કર્યો. ચારેય આરોપીઓ પટનાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા જ પોલીસ વેશપલટો કરી મધરાતે જ હોટલમાં ત્રાટક્યા અને ચારેયને દબોચી લીધા. આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત પોલીસ 2456 કિમીનો પ્રવાસ ખેડ્યો. દેશભરના 5613 લોકો પાસેથી 125 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી APK ફાઇલોના પૃથક્કરણ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ પાસેથી બેંક, સરકારી યોજનાઓ, RTO ચલણ, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલના નામે બનાવેલી 336 જેટલી બોગસ APK ફાઇલોનો ડેટા મળી આવ્યો છે. આ વાયરસયુક્ત ફાઇલો દેશભરમાં વોટ્સએપ મારફતે ફેલાવીને આશરે 31,174 મોબાઈલ ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. જેમાંથી 5,613 નિર્દોષ નાગરિકોના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને કુલ 1,06,643 ડેબિટ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 1,25,39,48,187/- (આશરે 125.39 કરોડ) નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ફલિત થયું છે. અગાઉ ઝડપાયેલ 18 વર્ષનો માસ્ટર માઇન્ડ ડેવલપર અને આગળની તપાસ આ જ ગુનાની તપાસ દરમિયાન અગાઉ ઉત્તર પ્રદેશના કાસગંજથી 18 વર્ષીય રોહિત શાક્ય નામના માસ્ટરમાઇન્ડ ડેવલપરની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર ધોરણ 11 પાસ આ સગીર વયના કોડરે જામતારા ગેંગની માગ મુજબ 121 જેટલી બોગસ APK ફાઇલો ડેવલપ કરી આપી હતી, જેના દ્વારા ₹64.38 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. સુરત સાઇબર ક્રાઇમ સેલે હાલ આ ચારેય આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય નાણાકીય કડીઓ અને અન્ય નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar