top
વિસલપુર હાઈસ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ, 'આઝાદ' ટીમ વિજેતા.:ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, વિવિધ રાઉન્ડ રમાયા.
શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 12ની 'આઝાદ' ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. સ્પર્ધાની શરૂઆતમાં, 10 પ્રશ્નોની એક ટેસ્ટ લઈને દરેક ધોરણમાંથી વર્ગ શિક્ષક દ્વારા યોગ્ય ટીમોની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમોને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ, જેમ કે ભગતસિંહ (ધોરણ 9 અ), બોઝ (ધોરણ 9 બ), પાલ (ધોરણ 10 અ), ગોખલે (ધોરણ 10 બ), તિલક (ધોરણ 11) અને આઝાદ (ધોરણ 12) આપવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં કુલ ચાર રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડ જનરલ રાઉન્ડ હતો, જેમાં દરેક ટીમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રાઉન્ડના અંતે સૌથી ઓછા ગુણ ધરાવતી બે ટીમોને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ, ચાર ટીમો સાથે બીજો વિઝ્યુઅલ રાઉન્ડ રમાડવામાં આવ્યો, જેમાં ઐતિહાસિક સ્થળો, રાજનેતાઓની સ્પીચ અને પ્રસિદ્ધ વ્યક્તિઓના ચિત્રો બતાવવામાં આવ્યા હતા. આ રાઉન્ડના અંતે ટીમ ગોખલે સ્પર્ધામાંથી બહાર થઈ હતી. ત્રીજો રાઉન્ડ રેપિડ ફાયર હતો, જેમાં એક મિનિટમાં દસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ચોથો અને અંતિમ રાઉન્ડ બઝર રાઉન્ડ હતો, જેમાં જે ટીમનો વિદ્યાર્થી પ્રથમ બઝર દબાવે તે જવાબ આપે તે મુજબના પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ચોથા રાઉન્ડના અંતે, ધોરણ 12ની ટીમ 'આઝાદ' પ્રથમ ક્રમે વિજેતા રહી હતી. બીજા ક્રમે ધોરણ 10-અની ટીમ 'પાલ' અને ત્રીજા ક્રમે ધોરણ 9-અની ટીમ 'ભગતસિંહ' વિજેતા બની હતી. સમગ્ર ક્વિઝમાં ઇતિહાસ, પૌરાણિક કથાઓ, બંધારણ, રાજનીતિ, ગણિત, ગુજરાતી, કોમ્પ્યુટર, વિજ્ઞાન, કોમર્સ, ખેલકૂદ અને વર્તમાન પ્રવાહો જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે, પ્રેક્ષક તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ માટે એક મનોરંજન રાઉન્ડ પણ રમાડવામાં આવ્યો હતો. જેમાં ક્રાંતિકારીઓના ચિત્રો બતાવવા, સ્પીચ ક્લિપ્સ સંભળાવી ઓળખ કરવી અને વિવિધ કંપનીઓની પંચલાઇન પૂછવામાં આવી હતી. પ્રેક્ષક વિદ્યાર્થીઓએ પણ સક્રિય રસ લઈને ઉત્તરો આપ્યા હતા. સમગ્ર ક્વિઝનું આયોજન અને સંચાલન ડો. અવનિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંચાલનમાં પાયલબેન મહેતા અને બીનાબેન નાયક દ્વારા સાથ આપવામાં આવ્યો હતો. અલ્પેશભાઈ પટેલ, ચંદ્રિકાબેન પરમાર અને તેજલબેન જાનીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. ડો. હિરલબેન ચતુર્વેદીએ ફોટોગ્રાફીની જવાબદારી સંભાળી હતી, જ્યારે તુષારભાઈ પટેલે સાઉન્ડની વ્યવસ્થા કરી હતી. સમગ્ર સ્ટાફ મિત્રોના સહકારથી ક્વિઝનું આયોજન મનોરંજક અને ઉલ્લાસપૂર્ણ રહ્યું હતું.
Read full article on Divya Bhaskar