top
વલસાડ GEB ક્રેડિટ સોસાયટીમાં ₹77.86 લાખનું કૌભાંડ:પૂર્વ મહિલા મંત્રી ચાંદની પટેલની ધરપકડ; બોગસ ચેક અને રોકડ ઉચાપતથી કૌભાંડ આચર્યુ; કોર્ટમાં રજૂ કરાશે
વલસાડમાં આવેલી ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB) એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં ₹77.86 લાખનો નાણાકીય ગોટાળો સામે આવતા ચકચાર મચી ગઈ છે. વલસાડ સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સોસાયટીના પૂર્વ મહિલા મંત્રી ચાંદનીબેન પટેલની અટકાયત કરી છે. પોલીસે આરોપી મહિલા મંત્રીની ધરપકડ કરીને તેમને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. 19 બોગસ ચેક અને રોકડની ઉચાપત સોસાયટીના પ્રમુખ દિવ્યેશકુમાર મૈસુરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાંદનીબેન પટેલ સપ્ટેમ્બર 2021થી નવેમ્બર 2024 સુધી મંત્રી પદે કાર્યરત હતા. તેમણે હોદ્દાનો દુરૂપયોગ કરીને બેંક એકાઉન્ટમાંથી સભાસદ ન હોય તેવા વ્યક્તિઓના નામે 17થી 19 બોગસ ચેક ઈશ્યુ કરી ₹73.90 લાખથી વધુ રકમ બારોબાર ઉપાડી લીધી હતી. આ ઉપરાંત, ₹3,65,403ની રોકડ સિલકની પણ ઉચાપત કરી કુલ ₹77.86 લાખથી વધુનો ગોટાળો આચર્યો હતો. ઓડિટમાં સોફ્ટવેરની ખોટી એન્ટ્રીઓ પકડાઈ સભાસદોના પગારમાંથી લોનના હપ્તા કપાવા છતાં ખાતામાં જમા ન દેખાતા સમગ્ર આંતરિક શંકા જાગી હતી. વલસાડ જિલ્લા રજિસ્ટ્રાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરાયેલા ખાસ ઓડિટમાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે મંત્રીએ કમ્પ્યુટર સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ ઉમેરીને નાણાકીય હિસાબો અને ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિની સંડોવણી અને બાઉન્સ થયેલા ચેક પોલીસ તપાસ અનુસાર, આ કૌભાંડમાં મંત્રી ચાંદનીબેન ઉપરાંત તેમના પતિ જયદીપભાઈ નાયકા અને અન્ય કેટલાક શખ્સોની સંડોવણી ખુલી છે. અગાઉ સહકારી વિભાગ સમક્ષ ચાંદનીબેને પોતાની ભૂલ સ્વીકારી ઉચાપત કરેલી રકમ ભરપાઈ કરવાની ખાતરી આપી સોસાયટીને આપેલા ચેક પણ બેંકમાં બાઉન્સ થયા હતા. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડની તજવીજ DySP એ. કે. વર્માના જણાવ્યા મુજબ, પ્રમુખની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે વિધિવત ગુનો નોંધી આરોપી ચાંદનીબેન પટેલની ધરપકડ કરી છે. PSI ભગવતસિંહ રાઠોડ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ મેળવવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar