top
વર્ષાબેન દોશીનું 17 વર્ષ જૂનું વૃક્ષ રક્ષાબંધન અભિયાન:અમદાવાદમાં વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ કેન્દ્રીય રાષ્ટ્રીય ટીમના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દ્વારા શરૂ કરાયેલું 17 વર્ષ જૂનું પર્યાવરણ લક્ષી અભિયાન ‘વૃક્ષ રક્ષાબંધન’ હવે વટવૃક્ષ બની ગયું છે. આ વર્ષે 17મા વર્ષે આ અનોખી રક્ષાબંધનની ઉજવણી અમદાવાદના સત્યમેવ વિસ્ટા ખાતે રંગોળી અને મંગળ ગીતો સાથે ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 1600થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈ ચૂકી છે. શરૂઆતના 16 વર્ષ સુધી આ ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવતી હતી, જ્યારે 17મા વર્ષે તેનું આયોજન અમદાવાદમાં કરાયું હતું. ભારતીય સંસ્કૃતિમાં સૂરજને દાદા, ચાંદાને મામા અને નદીને માતા માનવામાં આવે છે. તે જ પ્રેરણાથી વર્ષાબેન દોશીએ વૃક્ષને ભાઈ માની તેને રાખડી બાંધવાની પ્રેરણાદાયી શરૂઆત કરી હતી, જેના દ્વારા પર્યાવરણ જતનનો નવો ચીલો ચાતર્યો છે. આ અનોખી રક્ષાબંધનની ઉજવણી અગાઉ ટાગોર બાગ, દલપતરામ બાગ, માનવ મંદિર, ભોગાવો નદી કિનારે અને એમ.એલ. દોશી કોલેજ જેવી વિવિધ જગ્યાઓએ થઈ ચૂકી છે. આ પ્રસંગે મહિલાઓ પોતાના હાથે બનાવેલી રાખડીઓ વૃક્ષોને બાંધીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે. કોરોના કાળ દરમિયાન લોકોને ઓક્સિજન અને વૃક્ષોની સાચી કિંમત સમજાઈ હતી. કાળઝાળ ગરમી સામે રાહત મેળવવા અને શુદ્ધ હવા માટે વૃક્ષો અત્યંત જરૂરી છે. રક્ષાબંધનના આ પવિત્ર દિવસે વૃક્ષને રક્ષાસૂત્ર બાંધવાની સાથે દરેક મહિલાઓ એક નવું વૃક્ષ વાવવાનો અને તેના જતન-સંવર્ધનનો દ્રઢ સંકલ્પ લે છે, જે સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. જુઓ અન્ય તસવીરો :
Read full article on Divya Bhaskar