crime
ગેંડા સર્કલ પાસે હોસ્પિટલમાં આગ:ધુમાડાથી લાશ્કરોને આગનું સ્થળ શોધતાં 10 મિનિટ લાગી,4 કર્મી અને બીજા માળેથી 12 લોકોનો બચાવ
ગેંડા સર્કલ પાસે કે-10 એટલાન્ટિસ બિલ્ડિંગના પહેલા માળે સેન્ટર ફોર આઇ હોસ્પિટલમાં બુધવારે રાત્રે આગ ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડને કોલ પહોંચતાં વડીવાડી ફાયર સ્ટેશનના સ્ટાફે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં હોસ્પિટલનો સર્વર રૂમ અને ઉપરનું પ્લાયવુડ ખાક થઇ ગયું હતું. જેમાં હોસ્પિટલના સ્ટાફના 4નો બચાવ થયો હતો. જ્યારે બીજા માળે ફસાયેલા 12 લોકોને બૂમો પાડી ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા. સેન્ટર ફોર આઇ હોસ્પિટલમાં પાછળની વિંગમાં સર્વર રૂમમાં આગ લાગતાં કાળા ડિબાંગ ધુમાડા બધે જ ફેલાઇ ગયા હતા. ફાયર ફાઇટર્સે બ્રીધિંગ એપ્રેટસ અને ઓક્સિજન સિલિન્ડર સાથે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 4500 લિટર જેટલા પાણીનો છંટકાવ કરીને આગ બૂઝાવી હતી. સેન્ટરના મેનેજર અમિત ગાંધીએ કહ્યું કે, હોસ્પિટલના બંધ વિંગમાં નોર્મલ આગ લાગી હતી. કોઇ મોટું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, સાંજે 7 વાગ્યાના સુમારે આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 4 જણનો સ્ટાફ જ હતો, જે ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે આગને પગલે ઉપરના માળે પણ દોડધામનાં દૃશ્યો સર્જાયાં હતાં. લાશ્કરોએ ધુમાડામાં દીવાલને અડકી આગનું સ્થળ શોધ્યું આ આગમાં વાયરિંગ બળવાને લીધે ધુમાડો એટલો બધો હતો કે, હોસ્પિટલમાં ઘૂસ્યા બાદ આગ ક્યાં લાગી છે તે શોધવા ફાયર ફાઇટર્સે દીવાલોને અડકીને ક્યાં આગ લાગી છે અને કઈ તરફ જવાથી દીવાલો વધુ ગરમ થાય છે તેની ખાતરી કરી આગળ વધતા હતા. બ્રીધિંગ એપ્રેટસની સાથે હાઇગ્રેડ ટોર્ચ હોવા છતાં ફાયર ફાઇટર્સને હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ રસ્તો કળાતો ન હતો. પ્લાયવુડ બળવાથી ઝેરી કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે સર્વર રૂમમાં ચોવીસે કલાક હાઈ-વોલ્ટેજ સર્વર્સ, UP અને લિથિયમ-આયન કે લેડ-એસિડ બેટરીઓ સતત ચાલુ હોય છે. જ્યારે કેબલ ઓવરહીટ થાય કે કનેક્શનમાં લૂઝ વાયરિંગ હોય ત્યારે કેબલનું પીવીસી ઇન્સ્યુલેશન પીગળીને થર્મલ રનઅવે અને શોર્ટ સર્કિટ સર્જે છે. પ્લાયવુડ-ફોમ બળવાથી ખૂબ ઝેરી હાઇડ્રોજન સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી વ્યક્તિ ગણતરીની સેકન્ડોમાં બેભાન થઈ જાય છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે.
Read full article on Divya Bhaskar