crime
માંડળ ટોલનાકા પાસે મકાઈના કોથળા નીચે 10908 બોટલ દારૂ મળ્યો:તાપી પોલીસે જૂનાગઢના શખસને ઝડપ્યો, બે વોન્ટેડ; ટ્રકમાંથી ₹34.58 લાખનો દારૂ જપ્ત
દરૂબંધીવાળા ગુજરાતમાં નશાનો કારોબાર કરતા બુટલેગરો પોલીસને થાપ આપવા રોજ નવા-નવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્ક્વોડની બાજ નજર સામે બુટલેગરોની ચાલ નિષ્ફળ સાબિત થઈ છે. સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી મકાઈના કોથળાની આડમાં અત્યંત શાતિર રીતે લઈ જવાતો રૂ. 34,58,832 લાખથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જૂનાગઢના એક શખ્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે ટોલનાકા પર ગોઠવાઈ પોલીસની જાળ તાપી LCBના PSI કે.આર. પટેલ તથા LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડના જવાનો સોનગઢના માંડળ ટોલનાકા ખાતે વાહન ચેકિંગમાં તૈનાત હતા. આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડના ASI બિપીનભાઈ અને HC લેબજીભાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક 12 વ્હીલર ટાટા ટ્રક (નં. GJ-25-T-8092)માં મકાઈના જથ્થાની આડમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે ટોલનાકા પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રક આવતા જ તેને ચારે તરફથી ઘેરી લઈ અટકાવી હતી. મકાઈના કોથળા ખસેડતા જ ખૂલ્યો લાખોનો ભેદ પોલીસે ટ્રકની તલાશી લેતા પ્રથમ દ્રષ્ટિએ તેમાં મકાઈના કોથળા ભરેલા જોવા મળ્યા હતા. પોલીસની અનુભવી ટીમે ટ્રકમાં ભરેલા આશરે 5,250 કિલોગ્રામ વજનના મકાઈના કોથળા હટાવીને તપાસ કરતા અંદરથી વગર પાસ-પરમિટે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી હાથ ધરતા અલગ-અલગ બ્રાન્ડની કુલ 10,908 નંગ બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 34,58,832 થાય છે. કબ્જે કરાયેલો મુદ્દામાલ વિદેશી દારૂનો જથ્થો: રૂ. 34,58,832 ટાટા ટ્રક (GJ-25-T-8092): રૂ. 8,00,000 (અંદાજિત) મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી: રૂ. 10,000 કુલ મુદ્દામાલ: રૂ. 42,68,832 જૂનાગઢનો ખેપીયો સળિયા પાછળ, બે સૂત્રધારો વોન્ટેડ પોલીસે સ્થળ પરથી જ મંથનભાઈ નરશીભાઈ ફળદુ (ઉ.વ. 42, રહે. બ્લોક નંબર-1, પશુ દવાખાના સામે, બાલકૃષ્ણનગર સોસાયટી, માણાવદર, જિ. જૂનાગઢ)ની ધરપકડ કરી છે. જ્યારે આ નેટવર્કમાં સંડોવાયેલા ટ્રક માલિક અને દારૂનો મુદ્દામાલ ભરાવનાર એમ બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ-65(ઈ), 81, 83, 98(2) અને 116(2) મુજબ ગુનો નોંધી, પકડાયેલા આરોપી અને મુદ્દામાલને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar