crime
Junagadh News : ગિરનારની પવિત્રતા સાથે બાંધછોડ નહીં! દારૂના દૂષણ સામે સંતો મેદાને, પોલીસ તપાસની માંગ
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ અને આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના સામે આવ્યા બાદ સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. પવિત્ર તીર્થધામ ગિરનારની મર્યાદા અને પવિત્રતા દૂષિત કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. ખાખી મઢી મેંદરડા આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ વ્યક્ત કર્યો આક્રોશ વાયરલ વીડિયોના મામલે ખાખી મઢી મેંદરડા આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ આકરૂ નિવેદન આપીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પવિત્ર ગિરનારની મર્યાદાનું કડકપણે પાલન થાય તે અત્યંત જરૂરી છે. ગિરનાર જેવા પવિત્ર ધામની સાત્વિકતા અને પવિત્રતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આવા અસામાજિક તત્વો સામે પોલીસે દાખલારૂપ અને સખત કાર્યવાહી કરવી જોઈએ. દારૂના દૂષણ પર લગામ લગાવવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ મહંત સુખરામદાસ બાપુએ પોલીસ તંત્રને અપીલ કરતા જણાવ્યું છે કે ગિરનાર ક્ષેત્રમાં વધતા જતાં દારૂના દૂષણ પર તાત્કાલિક ધોરણે પૂર્ણપણે લગામ લગાવવામાં આવે. આ વાયરલ વીડિયો ક્યારનો છે, કઈ જગ્યાનો છે અને તેમાં દેખાતા ઈસમો કોણ છે તે તમામ બાબતોની પોલીસ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. ગિરનારની આસ્થાને ઠેસ પહોંચાડનારા આરોપીઓને વહેલી તકે પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ સાધુ સમાજ દ્વારા કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો! સાંતેજના પ્રોહિબીશન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
Read full article on Sandesh