crime
ખેરાલુના મહિયલમાં યુવકને કારમાં ઉઠાવી ગયા:અજાણ્યા વિસ્તારમાં લઈ જઈ છરો બતાવી જીવલેણ હુમલો કર્યો;₹30 હજાર રોકડ અને સોનાની ચેઇન લૂંટી
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહિયલ ગામે 28 ઓક્ટોબર 2026ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે અપહરણ અને લૂંટની ગંભીર ઘટના બની હતી. ખેતી અને પશુપાલન કરતા 28 વર્ષીય ગ્રેજ્યુએટ યુવક રોહિતકુમાર ચૌધરીનું ત્રણ ગાડીઓમાં આવેલા બદમાશોએ જાહેર ચોકમાંથી અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે પીડિત યુવકે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જાહેર ચોકમાંથી બળજબરીપૂર્વક ઉઠાવ્યો ફરિયાદી રોહિતકુમાર પોતાના ખેતરવાળા ઘરેથી એક્ટિવા લઈને મહિયલ ગામમાં ધનજીભાઈની દુકાને પાન-મસાલો લેવા ગયા હતા. તેઓ જાહેર ચોકમાં ઊભા હતા ત્યારે સેવા સહકારી મંડળી તરફથી બે ઇકો અને અન્ય એક મળી કુલ 3 ગાડીઓ ધસી આવી હતી. આ વાહનોમાંથી ઉતરેલા આશરે 7 શખ્સોએ તેમને બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં બેસાડી દીધા હતા. અજાણ્યા વિસ્તારમાં લઈ જઈ હુમલો કર્યો અપહરણકારો યુવકને ચાલુ વાહનમાં માર મારતા મહિયલથી સાકરી ફતેપુરા થઈ અજાણ્યા ખરાબામાં લઈ ગયા હતા. ત્યાં જમણી આંખ નીચે છરો દબાવી આંખો ફોડી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેમના જમણા કાને ગંભીર ઇજા પહોંચાડી હતી અને છાતી, મોઢા, માથા તથા પેટના ભાગે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. કીમતી માલમત્તા લૂંટી ધમકી આપી પીડિતે હુમલાખોરો પૈકી બળાદ ગામના ઠાકોર દિનેશજી, ઠાકોર બળવંતજી અને ઠાકોર કિશનજીને ઓળખી કાઢ્યા હતા, જ્યારે અન્યને ચહેરાથી ઓળખે છે. આરોપીઓએ યુવક પાસેથી આશરે 2 તોલા સોનાની ચેઇન અને ₹30 thousand ની રોકડ રકમ લૂંટી લીધી હતી. ઉપરાંત પોલીસ ફરિયાદ કરશે તો 2 દિવસમાં મર્ડર કરવાની ગંભીર ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર આરોપીઓ યુવકને અરઠી અને ચેહર ડાબા વચ્ચેથી એક અજાણ્યા વ્યક્તિને ગાડીમાં બેસાડી જોરાપુરા થઈ મહિયલ લાવ્યા હતા. ત્યાં રોડ પર ધક્કો મારી ફેંકીને નાસી છૂટ્યા હતા. ભાન આવતા યુવક ચોકમાં પહોંચ્યા જ્યાં મહેન્દ્રકુમાર અને જીગરકુમારે તેમને ખેરાલુ સિવિલ પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે, જ્યાં પલંગ નંબર 15 પર તેમની સારવાર ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar