crime
મહીસાગર LCBની મોટી કાર્યવાહી:60થી વધુ ચોરી અને ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ધોળકાથી દબોચ્યો, 9થી વધુ ગુનાઓમાં હતો વોન્ટેડ
ગુજરાત સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ચોરી અને ઘરફોડના 60થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા તેમજ 9થી વધુ ગુનાઓમાં વોન્ટેડ એવા આરોપીને મહીસાગર LCBએ અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી ઝડપી પાડ્યો છે. બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા હાથ ધરાયેલી તપાસ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી. પોલીસે 70થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા મહીસાગર જિલ્લામાં મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા અને ચોરીની ઘટનાઓ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન 27 ઓક્ટોબર 2026ના રોજ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા LCBની ટીમોએ મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના હાઇવે, પેટ્રોલ પંપ તથા હોટલો સહિતના સ્થળોએ લગાવવામાં આવેલા 70થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ધોળકામાંથી આરોપી અને ચોરીનો મુદ્દામાલ કબજે પોલીસ તપાસમાં મળેલી માહિતીના આધારે જગદીશ ઉર્ફે જગો ઉર્ફે રાજુ ગોરધનભાઈ રાઠોડ (રહે. આણંદ)ને અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો ગાડી અને બાઇક તેમજ ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. 60થી વધુ ગુનાઓમાં સંડોવણી સામે આવી આરોપીની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં તેની સામે ચોરી અને ઘરફોડના 60થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અન્ય 9થી વધુ ગુનાઓમાં પણ તે વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અન્ય જિલ્લાઓના વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે બાકોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મહીસાગર LCBના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડથી સુરત, પંચમહાલ જિલ્લાના કાલોલ અને આણંદ જિલ્લામાં થયેલા વાહનચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે.
Read full article on Divya Bhaskar