crime
'કોઈને કહીશ તો કાપી ફેંકી દઈશ':11 વર્ષની માસૂમ સાથે શારીરિક અડપલાં કરનાર બિહારનો ફૂડ ડિલિવરી બોય સળિયા પાછળ, બાળકીની હિંમતથી ભાંડો ફૂટ્યો
સુરતના પોશ ગણાતા સિટી લાઈટ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે ઘરમાં ઘૂસી શારીરિક અડપલાં કરનાર પાડોશી ફૂડ ડિલિવરી બોય 24 વર્ષીય રોનક અરુણ ઠાકુરની ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. મૂળ બિહારના મધુબની જિલ્લાના પંડોલ તાલુકાના ફતેપુર-બેલાહી ગામનો વતની અને હાલ સિટી લાઈટના યુ.પી. નગરમાં રહેતો આ યુવક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. બાળકીના પરિવારે હિંમત દાખવી ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે તાત્કાલિક છટકું ગોઠવી નરાધમને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બપોરે બાળકીને ઘરમાં એકલી જોઈ અશ્લીલ હરકતો કરી પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ગત 25 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં બાળકી ઘરમાં એકલી હતી. આ તકનો ગેરલાભ ઉઠાવી બાજુમાં જ રહેતો આરોપી રોનક તેના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે માસૂમ બાળકીને જમીન પર સુવડાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા અને શારીરિક અડપલાં કર્યા હતા. આ અણધાર્યા કૃત્યથી માસૂમ બાળકી અત્યંત ડઘાઈ ગઈ હતી. અશ્લીલ હરકતો કર્યા બાદ નરાધમે બાળકીને ધમકી આપી હતી કે જો આ ઘટના અંગે તે માતા-પિતા કે અન્ય કોઈને જાણ કરશે તો તેને કાપીને ફેંકી દેશે. બાળકીએ પરિવારને આપવીતી જણાવતાં ભાંડો ફૂટ્યો નરાધમની ધમકીથી ડર્યા વગર માસૂમ બાળકીએ હિંમત ભેગી કરી સમગ્ર ઘટના અંગે પરિવારજનોને વાકેફ કર્યા હતા. બાળકીની આપવીતી સાંભળી પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું અને સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બાળકીના પરિવારે જરાય વિલંબ કર્યા વિના ઉમરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. બાળકીની સુરક્ષા અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમરા પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી રોનક ઠાકુરને ઝડપી પાડ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar