crime
ભાવનગરમાં હત્યાના સાક્ષીનું અપહરણ કરી 3 દિવસ ગોંધી રાખ્યો:કોર્ટમાં આરોપી વિરુદ્ધ જુબાની ન આપે તે માટે ધાકધમકી આપી; આરોપીની માતા સહિત બે સામે ફરિયાદ
ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના કેસમાં સાક્ષી રહેલા યુવાનને કોર્ટમાં આરોપી વિરુદ્ધ જુબાની આપતો અટકાવવા માટે અપહરણ કરી ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખ્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યાના આરોપીના ભાઈ અને માતાએ યુવાનને ધાકધમકી આપી કોર્ટમાં જુબાની ન આપવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. આખરે યુવાનને છોડી મૂકવામાં આવતાં તેણે નિલમબાગ પોલીસ મથકમાં મહિલા સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શું હતો સમગ્ર બનાવ? ભાવનગરના વડવા વિસ્તારમાં જૂની SBI બેન્ક પાસે આવેલા કિશન ફ્લેટમાં રહેતા અને હાલ એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો યુવક છૂટક મજૂરી કામ કરે છે. તેમણે નિલમબાગ પોલીસ મથકમાં ડીડુ લાખાણી અને શહેનાઝબેન રફીકભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ ગત 3 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાવનગરના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં યુવકની માનેલી બહેનની હત્યા કરી હતી. આ કેસમાં યુવક સાક્ષી હોવાથી કોર્ટમાં તેમની જુબાની થવાની હતી. જોકે, તેઓ આરોપી વિરુદ્ધ જુબાની ન આપે તે માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. રીક્ષામાં બેસાડી અપહરણ કરી વરતેજ લઈ ગયા ગત 24 ઓક્ટોબરના રોજ યુવક પાનવાડી વિસ્તારમાં નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન ફૈઝલ ઉર્ફે ખાટકીનો ભાઈ ડીડુ લાખાણી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો. તેણે યુવકને અપશબ્દો કહી રીક્ષામાં બેસી જવા જણાવ્યું હતું અને તેમ નહીં કરે તો પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવકને રીક્ષામાં બેસાડી પહેલાં આડોડિયાવાસ અને ત્યાંથી વરતેજ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી ધમકી આપી યુવકને ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાંથી જવાની વાત કરતાં ડીડુ લાખાણી અને ફૈઝલની માતા શહેનાઝબેને બુધવાર સુધી ત્યાં જ રહેવા અને કોર્ટમાં ફૈઝલ વિરુદ્ધ જુબાની ન આપવા જણાવ્યું હતું. જો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરશે તો પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. જેલમાંથી ફૈઝલે ફોન કરી જુબાની બદલવા કહ્યું જેલમાં રહેલા ફૈઝલે તેની માતાને ફોન કર્યો હતો. આ દરમિયાન શહેનાઝબેને યુવકની ફૈઝલ સાથે વાત કરાવી હતી. ફૈઝલે કોર્ટમાં પૂછવામાં આવે ત્યારે યુવતી પડી જવાથી તેમને લાદી વાગી હોવાનું કહેવા અને તેની માતા કહે તેમ કરવા જણાવ્યું હતું. સાથે જ બધું મળી જશે તેવી લાલચ પણ આપી હતી. આથી ડરી ગયેલા યુવકે હા પાડી હતી. પોલીસ સમન્સની જાણ થતાં યુવાનને છોડી મૂક્યો યુવકને કોર્ટમાંથી સમન્સ નીકળ્યું હોવાની અને પોલીસ તેમને શોધી રહી હોવાની વાત ડીડુ લાખાણીએ તેની માતાને કરી હતી. જો પોલીસને અપહરણની જાણ થશે તો તેમની સામે કેસ થશે તેવી બીકથી યુવકને ઘરમાંથી જવા દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ડીડુ લાખાણી અને શહેનાઝબેન રફીકભાઈ લાખાણી સામે BNSની કલમ 140(3), 351(3), 352 અને 61(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar