top
નર્મદા પ્રોજેક્ટના દાયકાઓ જૂના નાણાકીય વિવાદ ઉકેલાવાના આરે:4 રાજ્યો વચ્ચે 7,974 કરોડ બાકી ચૂકવણીનો નિકાલ થશે, કેન્દ્રીય મંત્રી પાટીલની X પર પોસ્ટ કરીને જાહેરાત
સરદાર સરોવર પ્રોજેક્ટને લઈને ગુજરાત સહિત ચાર રાજ્યો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા નાણાકીય વિવાદના ઉકેલની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠકમાં સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા વર્ષોથી પડતર નાણાકીય વિવાદના સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના ડૉ. મોહન યાદવ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના ભજનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ચાર રાજ્યો વચ્ચે આ નાણાકીય વિવાદ હતો સરદાર સરોવર નર્મદા યોજનાને લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે દાયકાઓથી બાંધકામ ખર્ચની વહેંચણી, વ્યાજ, ડૂબાણગ્રસ્ત જમીનનું વળતર તેમજ પુનર્વસનના ખર્ચને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ, 31 જુલાઈ 2025ની સ્થિતિએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતને કુલ ₹7,974.86 કરોડ લેવાના બાકી હતા, જેમાં મધ્યપ્રદેશ પાસેથી ₹5,516.50 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ₹1,883.84 કરોડ અને રાજસ્થાન પાસેથી ₹574.52 કરોડ લેવાના હતા. બીજી તરફ, સરદાર સરોવર બંધના કારણે મધ્યપ્રદેશમાં ડૂબાણગ્રસ્ત જમીન અને અન્ય સંપત્તિના વળતરનો મુદ્દો પણ વિવાદનો ભાગ રહ્યો હતો અને મધ્યપ્રદેશે પણ ગુજરાત સામે વળતરનો દાવો કર્યો હતો. જુલાઈમાં ચારેય રાજ્ય વચ્ચે વન-ટાઈમ સેટલમેન્ટ આ લાંબા સમયથી પડતર નાણાકીય વિવાદના ઉકેલ માટે 7 જુલાઈ 2026માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મધ્યસ્થતા હેઠળ ચારેય રાજ્યો (ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન)એ વન-ટાઈમ સેટલમેન્ટ કરીને આ 50 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલી નાખ્યો છે. પુનઃવસન ખર્ચમાં મધ્ય પ્રદેશનો હિસ્સો 31.98%થી ઘટાડીને 16.17% કરાયો અને મહારાષ્ટ્રનો હિસ્સો 7.76% કરાયો. મુખ્ય લાભાર્થી રાજ્ય તરીકે ગુજરાતનો ખર્ચ હિસ્સો 50.57%થી વધારીને 75% કરવામાં આવ્યો. મધ્ય પ્રદેશે ગુજરાત સામેનો ₹7,669 કરોડનો દાવો જતો કર્યો, જેનાથી ચારેય રાજ્યો વચ્ચેના નાણાકીય હિસાબો ક્લિયર થયા. આજે સમાધાનને આખરી ઓપ દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યૂ કમિટીની 15મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉ થયેલા સમજૂતી કરારને સમર્થન આપવામાં આવ્યું અને સમાધાનને આખરી ઓપ આપવા તથા બાકી ચૂકવણીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકાયો હતો. 7 જુલાઈની બેઠકમાં બનેલી સહમતીના આધારે આજે નિર્ણય સી.આર. પાટીલે પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 7 જુલાઈ, 2026ના રોજ ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં જે સહમતી બની હતી, તેને આગળ ધપાવીને આ વખતે નાણાકીય વિવાદના ઉકેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વર્ષોથી બાકી રહેલી ચૂકવણીઓનો સમયબદ્ધ નિકાલ થાય અને સમજૂતીનો અસરકારક અમલ થાય તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ચાર રાજ્યો વચ્ચેના મતભેદો દૂર કરવાની દિશામાં પગલું કેન્દ્રીય મંત્રીએ આ ઘટનાને માત્ર બાકી નાણાંની ચૂકવણીના પ્રશ્નનો ઉકેલ નહીં, પરંતુ દાયકાઓ જૂના મતભેદો પાછળ છોડીને પરસ્પર વિશ્વાસ, સહકાર અને સહિયારા વિકાસના નવા યુગની શરૂઆત ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રગતિ શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું હતું. નર્મદાનું પાણી વિવાદ નહીં, વિકાસનું માધ્યમ બને સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી ચારેય રાજ્યોની સમૃદ્ધિ, ખેડૂતોના કલ્યાણ અને દેશના વિકાસનું માધ્યમ બનવું જોઈએ. સહકારી સંઘવાદની ભાવના સાથે સંવાદ અને પરસ્પર સહમતીથી લાંબા સમયથી પડતર રહેલા જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે, તે આ ઘટનાથી સાબિત થાય છે. આ સમજૂતીને 'વિકસિત ભારત 2047'ના લક્ષ્ય તરફનું મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar