crime
Ahmedabadમાં ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ; રહેણાંક વિસ્તારમાં આગના જોખમને લઈ વિવાદ!
દિવાળી પહેલાં અમદાવાદમાં ફટાકડા બજારની દુકાનોને આપવામાં આવેલી મંજૂરીને લઈને વિવાદ ઊભો થયો છે. AMCની સામાન્ય સભામાં ખાડિયાના કોર્પોરેટર બિરજુ બેને રાયપુર દરવાજા પાસે આવેલી ફટાકડાની દુકાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે રહેણાંક મકાનોની વચ્ચે ફટાકડાની દુકાનોને મંજૂરી કેવી રીતે આપવામાં આવી? તેમના મતે, આ વિસ્તાર સાંકડો હોવાથી આગ જેવી દુર્ઘટના સર્જાય તો ફાયર વિભાગ માટે સમયસર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરવી મુશ્કેલ બની શકે છે. દિવાળી દરમિયાન ફટાકડાની ખરીદી વધતી હોવાથી સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ દુકાનો સીલ કરાઈ હોવાનો મુદ્દો કોર્પોરેટર બિરજુ બેને જણાવ્યું હતું કે અગાઉ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ આ વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવી હતી. તેમણે મંજૂરી આપવાની પ્રક્રિયા અને તેના આધાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. રહેણાંક વિસ્તાર અને સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને ફટાકડાની દુકાનોમાં સુરક્ષાનાં નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને આગ લાગે અથવા અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો આસપાસના રહેવાસીઓની સુરક્ષા અને બચાવ કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. મંજૂરી બાદ દુકાનો ખોલાઈ, ગેરકાયદે હોય તો કાર્યવાહી સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે અગાઉ તપાસ દરમિયાન દુકાનો પાસે BU પરમિશન ન હોવાથી તેમને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી મંજૂરી મળતાં વેપારીઓને દુકાનો ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ દુકાન ગેરકાયદે રીતે ચાલતી હોવાનું સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દિવાળી પહેલાં ફટાકડા બજારની મંજૂરીને લઈને ઊભા થયેલા આ વિવાદમાં હવે દુકાનોની કાયદેસર સ્થિતિ અને સુરક્ષાનાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે મહત્ત્વનો મુદ્દો બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh