crime
અમદાવાદમાં 'હર શહર જંતર મંતર', કોંગ્રેસ અને Gen-Zનું આંદોલન:પોલીસ IIM પાસે રાહ જોતી રહી ને રેલી માનસી સર્કલ પહોંચી ગઈ, CEC જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ
દિલ્હી ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના પગલે 'હર શહર જંતર મંતર'ના સ્લોગન સાથે અમદાવાદમાં પણ Gen-Z, કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના રાજીનામાની મુખ્ય માગ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત IIM રોડ પર 300થી વધુ પોલીસ જવાનો ખડકી દેવાયા હતા અને આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. જોકે, આયોજકોએ વ્યૂહરચના બદલીને IIM રોડને બદલે અંધજન મંડળ ખાતેથી વિરોધ પ્રદર્શન શરૂ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 'વોટ ચોર કહાં મિલેગા...': અંધજન મંડળથી માનસી સર્કલ સુધી સૂત્રોચ્ચાર સાથે કૂચ મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણીઓ, NSUI કાર્યકરો અને Gen-Z યુવાનોએ હાથમાં બેનરો સાથે અંધજન મંડળથી માનસી સર્કલ સુધી પદયાત્રા રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ કૂચ દરમિયાન કાર્યકરોએ 'વોટ ચોર કહાં મિલેગા, બીજેપી કે દફતરમેં' જેવા આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ ફોર્સ IIM કેમ્પસ પાસે પ્રદર્શનકારીઓની રાહ જોતી રહી ગઈ હતી, જ્યારે આંદોલનકારીઓ ચાલતા ચાલતા સીધા માનસી સર્કલ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે પોલીસ કાફલો માનસી સર્કલ તરફ દોડ્યો હતો. પોલીસ બસ પર ચડી સૂત્રોચ્ચાર માનસી સર્કલ પર પ્રદર્શનકારીઓને રોકવા પોલીસ બસ આવી પહોંચતા કેટલાક આંદોલનકારીઓ ઉત્સાહમાં આવીને બસની છત પર ચડી ગયા હતા અને 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપો'ના નારા લગાવ્યા હતા. બસ પર ચડેલા દેખાવકારોને નીચે ઉતારવાની પ્રક્રિયા દરમિયાન એક પ્રદર્શનકારી નીચે પટકાતાં માહોલ તંગ બન્યો હતો અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ વણસતાં પોલીસે બળપ્રયોગ કરીને તમામ પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. '13 કરોડથી વધુ લોકોનો મતાધિકાર છીનવાયો': કોંગ્રેસ પ્રવક્તા સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું છે અને 13 કરોડથી વધુ નાગરિકોનો પવિત્ર મતાધિકાર છીનવી લેવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ લડાઈ શેરીઓથી લઈને સંસદ સુધી ચાલુ રહેશે. જો બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો જવાબદારી નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
Read full article on Divya Bhaskar