crime
અંદાજે 13 કરોડથી વધુ કિંમતના ગાંજા સાથે બે મુસાફરની ધરપકડ:બેંગકોકથી ફલાઈટમાં આવેલા બંને મુસાફરોની બેગમાંથી કુલ 14 'વેક્યુમ સીલ' કરેલા પેકેટો મળી આવ્યા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના અને નશીલા દ્રવ્યોની દાણચોરી અટકાવવા માટે કસ્ટમ વિભાગ સતત સતર્ક બન્યો છે. ૧લી નવેમ્બરના રોજ કસ્ટમ્સ વિભાગના 'એર ઇન્ટેલિજન્સ યુનિટ' (AIU) દ્વારા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે બેંગકોકથી ફ્લાઇટ નંબર TG-343 દ્વારા અમદાવાદ આવી પહોંચેલા બે શંકાસ્પદ મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા. ઝડપાયેલા બંને મુસાફરો સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ચેક-ઇન ટ્રોલી બેગમાંથી 14 વેક્યુમ સીલ પેકેટો મળી આવ્યા બંને મુસાફરોની ચેક-ઇન બેગેજનું એક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવતાં સ્કેનરમાં શંકાસ્પદ ઈમેજ ઉપસી આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક બંનેની ટ્રોલી બેગ ખોલાવીને ઝીણવટભરી તપાસ હાથ ધરતાં તેમાંથી પ્લાસ્ટિકના ૧૪ 'વેક્યુમ સીલ' કરેલા મોટા પેકેટો મળી આવ્યા હતા. હવાચુસ્ત રીતે પેક કરાયેલા આ પેકેટો ખોલીને ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતાં તે ઉચ્ચ ગુણવત્તાવાળો હાઇડ્રોપોનિક્સ મારિજુઆના (ગાંજો) હોવાનું પુરવાર થયું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹13 કરોડ આંકવામાં આવી કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા કુલ ૧૪ પેકેટોમાંથી મળી આવેલા હાઇડ્રોપોનિક ગાંજાનું કુલ વજન 13.012 કિલોગ્રામ નોંધાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ કે હાઇડ્રોપોનિક ગાંજાની પ્રતિ કિલો સરેરાશ કિંમત આશરે ₹1 કરોડ ગણવામાં આવતી હોવાથી, કબજે કરાયેલા કુલ જથ્થાની કિંમત આશરે ₹13 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર તાજેતરના સમયમાં પકડાયેલા સૌથી મોટા કેફી પદાર્થોના જથ્થા પૈકીનો એક છે. NDPS એક્ટ હેઠળ બંનેની ધરપકડ પ્રતિબંધિત માદક પદાર્થ મળી આવતાં કસ્ટમ વિભાગે NDPS એક્ટ, 1985ની વિવિધ કડક કલમો હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરી સુરતના બંને મુસાફરોની વિધિવત ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ માત્ર કમિશન પર માલ પહોંચાડતા 'કેરિયર' છે કે પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના સક્રિય સભ્યો છે તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ થાઇલેન્ડથી કોણે મોકલ્યું હતું અને ગુજરાત કે અન્ય રાજ્યોમાં કોને ડિલિવરી આપવાની હતી તે અંગેના કોલ ડિટેઇલ્સ અને સંપર્કોની તપાસ તેજ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar