crime
ઘાસ ભરેલા ટેમ્પોને વીજ તાર અડી જતાં ભીષણ આગ:વાંસદા ફાયરફાઇટર માટે ફોન કરતાં જવાબ મળ્યો 'બંબો બગડી ગયો છે';સમયસર સુવિધા ન મળતાં સ્થાનિકોમાં રોષ
નવસારીના વાંસદા તાલુકાના કેવડી ગામે પ્રાથમિક શાળા નજીક ઓવરલોડ ઘાંસ ભરીને જઈ રહેલો પિકઅપ ટેમ્પો અચાનક વીજ તાર સાથે અડી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મંગળવારે બનેલી આ ઘટનાથી શાળા અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આખા ટેમ્પોને લપેટમાં લીધો હતો, પરંતુ સમયસૂચકતા વાપરીને ચાલક અને ક્લીનરે તાત્કાલિક નીચે કૂદી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. વાંસદા ફાયરનું વાહન બગડેલું હોવાથી રોષ દુર્ઘટના સમયે ગ્રામજનોએ તાત્કાલિક વાંસદા ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો. જોકે કટોકટીના સમયે ફાયર વિભાગનું વાહન બગડેલું હોવાનો જવાબ મળતાં ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો. અંતે ચીખલી ફાયર વિભાગને જાણ કરાતાં તેમની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિલંબના કારણે આપત્તિ વ્યવસ્થાપન સેવાઓની ગંભીર પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સામે સુરક્ષાના પ્રશ્નો આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે દૂરથી ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં તો બધું સળગીને રાખ થઈ જાય છે. આગામી સમયમાં આવી મોટી જાનહાની ન થાય તે માટે વાંસદા ફાયર વિભાગના વાહનોને ત્વરિત રિપેર કરાવીને સ્ટેન્ડબાય રાખવાની પ્રબળ માંગણી ઉઠી રહી છે.
Read full article on Divya Bhaskar