crime
લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરનારાઓ પર સકંજો:કતારગામમાં 44,230 રૂપિયાની કિંમતના 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો, ઘી અને બરફીના નમુના લેવાયા
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને ભેળસેળિયા વેપારીઓ સામે કડક તવાઈ બોલાવવામાં આવી છે. તહેવારોની મોસમ નજીક આવતાં જ દૂધ, ઘી અને મીઠાઈમાં થતી સંભવિત ભેળસેળ અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ ઝુંબેશના ભાગરૂપે કતારગામ અને કામરેજ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સત્તાવાર નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કતારગામના ભરત ટ્રેડર્સમાંથી 'વિદુર કાઉ ઘી'નો જથ્થો સીઝ કરાયો ફૂડ વિભાગની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે કતારગામ દરવાજા પાસે આવેલા કુબેરનગર-૧ સ્થિત 'મેસર્સ ભરત ટ્રેડર્સ' ખાતે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાંથી વેચાણ અર્થે રાખવામાં આવેલા 'વિદુર કાઉ ઘી'નો એક સત્તાવાર નમૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ સીલ કરી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થળ પર રહેલો ₹44,230ની અંદાજિત કિંમતનો 62 લિટર જેટલો વિદુર કાઉ ઘીનો સમગ્ર શંકાસ્પદ જથ્થો જપ્ત (સીઝ) કરી લેવાયો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ આગળનાં કાનૂની પગલાં લેવાશે. કામરેજના કોસમડામાં SOG અને પોલીસનું સંયુક્ત ઓપરેશન બીજી એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને કામરેજ પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તથા મનપા ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. સુરતના કામરેજ સ્થિત કોસમડા ખેતરાલી એરિયાના રોડ નં. ૮-૬, બ્લોક નં. ૨૩૩માં કાર્યરત 'કે.ડી.આર. ઈન્ડસ્ટ્રીઝ' નામના ઉત્પાદન એકમ પર દરોડો પાડી સઘન ચકાસણી કરવામાં આવી હતી. ઉત્પાદન સ્થળે આરોગ્યલક્ષી માપદંડો અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું જણાતાં સંસ્થા સંચાલકોને તાત્કાલિક સુધારણા માટે નિયમ મુજબની નોટિસ ફટકારવામાં આવી હતી. 'મહાદેવ સ્પેશિયલ બરફી' અને ખાંડવાળા દૂધના નમૂના તપાસ માટે મોકલાયા કે.ડી.આર. ઇન્ડસ્ટ્રીઝમાંથી તપાસ ટીમ દ્વારા મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ખાંડવાળું દૂધ તેમજ 'કે.ડી.આર. ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ મહાદેવ સ્પેશિયલ બરફી'ના નમૂના વિધિવત રીતે એકત્રિત કરવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે રવાના કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, તપાસ રિપોર્ટમાં જો ખાદ્ય સામગ્રી સબ-સ્ટાન્ડર્ડ, અનસેફ કે મિસબ્રાન્ડેડ જણાશે તો સંચાલકો સામે કોર્ટ ફરિયાદ સહિતની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ આક્રમક વલણથી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Divya Bhaskar