top
Omar Abdullah: પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કરનાર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે?
જમ્મુ-કાશ્મીરના રાજકારણના મોટા નેતાઓમાંના એક અને રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેનું કારણ માત્ર ચૂંટણી નહીં, પરંતુ તેમની અંગત જિંદગી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા છે. આ તેમના બીજા લગ્ન છે. ઓમર અબ્દુલ્લાની ઉંમર 56 વર્ષ છે. આવો જાણીએ તેમની પાસે કેટલી સંપત્તિ છે. વર્ષ 2024માં ગાંદરબલ વિધાનસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ઓમર અબ્દુલ્લાએ પોતાના સોગંદનામામાં આપેલી માહિતી ઘણા મોટા નેતાઓ કરતાં અલગ છે. સોગંદનામા મુજબ, તેમની કુલ સંપત્તિ 55.2 લાખ રૂપિયા છે. તેમણે પોતાની વાર્ષિક આવક 14.5 લાખ રૂપિયા જણાવી છે. મુખ્યમંત્રી ઓમર સામે કોઈ ફોજદારી કેસ પણ નોંધાયેલો નથી. ઓમર અબ્દુલ્લા પર એક પણ રૂપિયાનું દેવું નથી સામાન્ય રીતે જોવા મળે છે કે આટલા મોટા નેતા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય છે, પરંતુ ઓમર અબ્દુલ્લાની સંપત્તિ પ્રમાણમાં ઓછી છે. સૌથી ખાસ વાત એ છે કે તેમના પર કોઈ દેવું પણ નથી. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેમની બીજી સગાઈ અને લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. જોકે, ઓમરે પોતે આ અંગે ખુલ્લેઆમ કંઈ કહ્યું નહોતું. તેમના સમર્થકોનું કહેવું હતું કે એક સમજદાર અને સ્વચ્છ છબી ધરાવતા નેતા તરીકે તેઓ હવે અંગત જિંદગીમાં પણ નવો અધ્યાય શરૂ કરવા માગે છે. પિતા ફારુક અબ્દુલ્લા પાસે કેટલી સંપત્તિ છે? ઓમર અબ્દુલ્લાના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની કુલ સંપત્તિ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રજૂ કરેલા ચૂંટણી સોગંદનામા મુજબ આશરે 12.19 કરોડ રૂપિયા છે. તેમના નામે કોઈ બેંક લોન કે અન્ય દેવું નોંધાયેલું નથી. તેમની કુલ સંપત્તિમાંથી 1.59 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમાં જમ્મુ-કાશ્મીર બેંક, HDFC અને SBI જેવી બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ, રિલાયન્સ જેવી કંપનીઓના શેર, 2 કાર અને આશરે 10 લાખ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે. બીજી તરફ, તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો 10.60 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો છે. તેમાં શ્રીનગરના સૌરામાં ખેતીની અને બિનખેતીની જમીન, શ્રીનગરની વ્યાવસાયિક મિલકતોમાં એક તૃતીયાંશ હિસ્સો તેમજ શ્રીનગરના ગુપકર રોડ અને જમ્મુના ભટિંડીમાં આવેલા તેમના રહેણાંક મકાનો અને જમીનનો સમાવેશ થાય છે.
Read full article on Sandesh