top
જૂનાગઢમાં SOGની રેડ છતાં નકલી ઘીનું વેચાણ ચાલુ:બેચ નંબર કે પેકિંગની તારીખ દર્શાવી ન હતી, 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ'ના નામે કાળો કારોબાર; ભાસ્કરના રિયાલિટી ચેકમાં ખુલાસો
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ નજીક ગઈકાલે(25 ઓક્ટોબર) એસઓજીએ કમલેશ સોઢા નામના શખ્સ સામે લાલ આંખ કરી હતી, જે 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ'ના નામે શંકાસ્પદ અને નકલી ઘીનો કારોબાર ચલાવતો હતો. આ રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને કમલેશ સોઢા અલગ-અલગ કંપનીના સ્ટીકરો લગાવીને શુદ્ધ ગાયના ઘીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ નકલી ઘી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મોકલવામાં આવતું હતું, જેથી ફૂડ વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે તો પોલીસે જાણવા જોગ દાખલ કરી સંતોષ માની લીધો છે. બેચ નંબર કે પેકિંગની તારીખ દર્શાની ન હતી આ રિયાલિટી કરતા સામે આવ્યું કે, જૂનાગઢના અનેક વિસ્તારોમાં પીળા રંગની બોટલોમાં ગાયનું દેશી ઘી અને દિવેલાના નામે વેચાતી ચીજવસ્તુઓ પર કોઈ બેચ નંબર કે પેકિંગની ચોક્કસ તારીખ સુદ્ધાં દર્શાવવામાં આવી ન હતી. કેશવ, વ્રજ મટુકી અને શ્રી વ્રજના નામે ઝેર પીરસવાનું કાંડ? ગઈકાલની આ મોટી કાર્યવાહી બાદ દિવ્ય ભાસ્કરની ટીમે શહેરમાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. રિપોર્ટર જ્યારે શહેરની વિવિધ દુકાનો પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે કમલેશ સોઢાની કંપની 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ'ના લોગોવાળું ઘી હજુ પણ અનેક વેપારીઓની દુકાનોમાં અકબંધ વેચાઈ રહ્યું છે. આ ઘી કેશવ, વ્રજ મટુકી અને શ્રી વ્રજ જેવી અલગ-અલગ બ્રાન્ડના નામે ગ્રાહકોને પધરાઈ રહ્યું છે. FSSAI નંબર એક જ સરખા, પરંતુ ઉત્પાદનના સરનામા અલગ જેના ડબ્બાઓ પર ગઈકાલે પકડાયેલી પ્રોડક્ટ જેવા જ સમાન FSSAI નંબર છપાયેલા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે અલગ-અલગ ડબ્બાઓ પર FSSAI નંબર એક જ સરખા પરંતુ ઉત્પાદનના સરનામા અલગ-અલગ જોવા મળ્યા હતા. તો એક પણ ડબ્બા પર બેચ નંબર જોવા મળ્યા ન હતા. આ પણ વાંચો: જૂનાગઢમાં દિવાળી પહેલાં કૃષ્ણના નામે 'ગીર ગાયનું નકલી ઘી' ઝડપાયું મોટાભાગના વેપારીઓના ગોળગોળ જવાબ રિયાલિટી ચેક દરમિયાન જ્યારે વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે મોટાભાગના વેપારીઓએ ગોળગોળ જવાબ આપ્યા હતા. કેટલાક વેપારીઓએ દાવો કર્યો કે, તેમને એજન્સી દ્વારા માલ પૂરો પાડવામાં આવે છે અને તેમને અંદરની કોઈ હકીકતની ખબર નથી, તો વળી કેટલાક વેપારીઓએ તો આ ઘી ખાઈ શકાય તેવું હોવાનું તેમજ ખાવા અને દિવેલ બંનેમાં વાપરી શકાતું હોવાના બે જવાબદાર દાવા પણ કર્યા હતા. જ્યારે ભાસ્કર ટીમે ડબ્બા પર ગાયનું શુદ્ધ દેશી ઘી લખવા બાબતે પ્રશ્ન કર્યો ત્યારે વેપારીઓએ આ બાબત કંપનીની હોવાનું જણાવી અને કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાનમાં રહેલા શંકાસ્પદ ઘીના જથ્થાના ફોટા કે વીડિયો લેવાની પણ સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી. સેમ્પલના 14 દિવસ બાદ રિપોર્ટ આવશે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારના શંકાસ્પદ અને દિવેલયુક્ત ઘીના ડબ્બાઓ પર 'NOT FOR HUMAN CONSUMPTION' (માનવ વપરાશ માટે નથી) તેવું ફરજિયાત લખાણ શા માટે અંકિત કરવામાં આવતું નથી? ફૂડ વિભાગ દ્વારા સેમ્પલના રિપોર્ટ માટે 14 દિવસની રાહ જોવાની વાત કરાય છે. નકલી ચીજવસ્તુઓ માટે સરકારનો કાયદો ગુજરાત સરકાર દ્વારા અગાઉ બજારમાં વેચાતા નકલી અને એનાલોગ પનીર, ચીઝ કે બટરના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ નિયમ ભંગ કરનાર સામે ભારે દંડ અને જેલની સજાની કડક જોગવાઈઓ વાળો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જ્યારે સરકાર દ્વારા પનીર અને ડેરી પ્રોડક્ટ્સની બનાવટ બાબતે આટલી કડકાઈ દાખવવામાં આવી રહી છે, તો પછી લોકોના જીવ સાથે સીધા ચેડાં કરતા નકલી ઘીના ધંધાર્થીઓ સામે તે જ પ્રકારના વિશેષ અને સખત કાયદાકીય પગલાં કેમ ભરવામાં આવતા નથી? એસઓજી દ્વારા રેડ કરવા છતાં મુખ્ય સૂત્રધાર કમલેશ સોઢા સામે હજુ સુધી સખત કાનૂની અને ફોજદારી કાર્યવાહી કેમ ટાળવામાં આવી રહી છે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. અસલી અને નકલી ઘીનો ફરક સમજો નકલી ઘીથી 4 મોટા નુકસાન હૃદયરોગનું જોખમ: ચરબીયુક્ત તત્વ હાનિકારક કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હાર્ટ એટેક, પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે. પાચનતંત્રને નુકસાન: કૃત્રિમ પદાર્થો પચવામાં ભારે હોવાથી પેટમાં બળતરા, અપચો, ગેસ અને લિવર ખરાબ કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટે: ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે, જે બાળકો અને વડીલો માટે વધુ નુકસાનકારક છે. કેન્સરનું જોખમ : સસ્તા કેમિકલ્સ અને હાનિકારક ફ્લેવર્સ કોષોને નુકસાન પહોંચે છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે.
Read full article on Divya Bhaskar